માઈગ્રેનની કેટલીક રમુજી વાતો અને રસપ્રદ હકીકતો

ડો. શૈલેષ દરજી (ન્યુરોલોજિસ્ટ)

૯૮૯૮૧૮૫૩૬૦

     માથાનો દુખાવો એવી તકલીફ છે કે ભલભલા એનાથી ડરતા હોય છે. ગુગલ ટ્રેન્ડ્સ ડેટા દર્શાવે છે, સમય જતાં "માથાનો દુખાવો" અને "માઇગ્રેન" માટે ઓનલાઇન શોધમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને, એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જાન્યુઆરી-૨૦૦૪ અને જાન્યુઆરી-૨૦૧૬ વચ્ચે "માથાનો દુખાવો" માટે ઓનલાઇન શોધમાં ૧૫૮% વધારો થયો, જેમાં "માઇગ્રેન" માટે પણ ૧૫% વધારો જોવા મળ્યો.

     માથાના દુખાવાની માથાકૂટ સવારથીજ ચાલુ થઇ જાય. જો સવાર સવારમાં ચા ના મળે તો સમજો માથું દુખેજ પછી માથાના દુખાવાની ટીકડી લેવીજ પડે. ટીકડી લેવાથી માથાનો દુખાવો તો મટી જાય પણ ચા પીવાથી જે કાંટો આવે એનું શું? અમુકવાર ચાની લો ચૂસકી, તો પણ દુખાવો ના મટે! ગુજરાતીઓ માટે ચા બધાની દવા છે, પણ માઇગ્રેન આવે તો ચા પણ કહે, "બસ, હવે તો તું ડોક્ટરને મળ!"  પહેલાના જમાનામાં કહેતા કે રોજ સવારે દૂધ અને જલેબી ખાવાથી માથું ઉતરી જાય, તો મારા એક દૂર ગામડાથી આવતા દર્દીએ રોજ અમુક કિલોમીટર સવારે ચાલીને બાજુના ગામમાં જ્યાં જલેબી મળતી ત્યાં જઈને એમ જલેબી અને દૂધ ખાઈને માઇગ્રેનનો દુખાવો ઉતારેલો અને સાથે થોડું વજન પણ ઉતર્યું હતું, અને બોલો આ હકીકત કહેવા માટે અને મને સમજાવા માટે કે માઈગ્રેન પણ મટી શકે છે ખાસ મને કન્સલ્ટિંગ ફીસ આપી ગયો, મને થયું આ બધું મૂકીને જલેબીવાળા જોડે ધંધો ચાલુ કરું.

     બહેનોમાં માઈગ્રેન વધુ જોવા મળે છે, રિસર્ચમાં તેનું કોઈ કારણ ના મળે તો પાણીપુરી તો છેજ. જેમ મધપૂડાની આજુબાજુ મધમાખીઓ હોય એમ પાણીપુરી લેવા ટોળું જોવા મળે. ગુજરાતની ગલીઓમાં પાણીપુરીની લારી પર ભીડ અને બૂમો-ચીસો હોય, માઇગ્રેનવાળા માટે આ અવાજ અને ગરમી ટ્રિગર બની જાય. મસાલેદાર પાણી, માઇગ્રેનની રેલી! પાણીપુરીમાં જે તીખાશ હોય છે અને ખાટી આમલીથી માઈગ્રેન ટ્રીગર થઇ શકે છે, એજ રીતે ચાઈનીઝ વાનગીઓમાં “આજીનો  મોટો” એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ હોય છે, એ પણ મહત્વનું ટ્રીગર છે. ઉનાળામાં જેમ ગરમીનો પારો ચડે એમ એક એક કરીને માથાના દુખાવાના દર્દીઓ આવવા માંડે. વધુ પડતી ગરમી અને તડકામાં માઈગ્રેનના હુમલા વધી શકે છે અને સાથે સાથે માઈગ્રેન જેવોજ પણ એનો પિતરાઈ ભાઈ સમાન "કલસ્ટર હેડેક" પણ ફોટોપેરિયોડિઝમને લીધે ઉનાળાના અંતમાં જૂન મહિનામાં વધુ જોવા મળે. એટલે બંનેને અલગ અલગ ઓળખવા જરૂર છે, કેમકે બન્નેની સારવાર અલગ છે.

     માથું દુખે તો દુનિયા ડાન્સ કરે! જ્યારે માઇગ્રેન આવે, ત્યારે એવું લાગે કે માથું ડીજે બની ગયું છે, અને દરેક અવાજ એકદમ બેસુરા ગીતની જેમ ગુંજે છે! માથાના દુખાવાના દર્દીને જોવામાં ક્યારેક ડોક્ટરને પણ માથાનો દુખાવો થઇ જાય, કેમકે લગભગ બધાજ સામાન્ય રીતે જોવામાં આવતા દુખાવા પ્રાઈમરી હેડેક હોય છે, એટલે એમાં રિપોર્ટ્સમાં કશું ના મળે. સાહેબ, બધા રિપોર્ટ્સ નોર્મલ આવે છે પણ આ માથુજ નથી ઉતરતું, ત્યારે શાંતિથી દર્દીને સમજાવું પડે કે “માથાના દુખાવાનું કોઈ મીટર નથી”. જેમ તાવ માપી શકાય, બ્લડ-પ્રેસર માપી શકાય, ધબકારા માપી શકાય એમ માથાના દુખાવા માટે કોઈ એવો સ્કોપ કે મીટર નથી. ગામડાના દર્દીઓ તો એમ પણ કહે કે માથા પર આ તમારો સ્ટેથોસ્કોપ મુકીને ચેક કરો કે માથું કેમ દુખે છે? અને પાછું આવા રૂરલ અને દૂરના ગામડાઓમાં ખાસ દર્દીઓ માથાનો એક્સ-રે કરાવે, હવે એમાં શું જોવા મળે, મનમાં કહું તો ધૂળ ને ઢેફાં. એતો સ્કલ એક્સ-રે કહેવાય એમાં મગજની કોઈ બીમારી ના પકડાય.

     સૂરજની સાથે દુશ્મની! માઇગ્રેનવાળા માટે સૂરજ એટલે જાણે વિલન! બહાર નીકળો તો માથું બોલે, "ચશ્મા અને છત્રી લઈ લે, નહીં તો હું રડીશ!" માઈગ્રેનના દર્દીને દુખાવો થવા માટે અમુક ટ્રીગર્સ હોય છે, જેમકે તડકો લાગવો, વધુ પડતો પવન, વાતાવરણમાં ફેરફાર થવો વગેરે. બેરોમેટ્રિક પ્રેસરના ફેરફાર, વાતાવરણના ભેજ અને તાપમાનના ફેરફારથી માથાના દુખાવા થવાની શક્યતા વધી જાય. એવું કહેવાય છે કે માઈગ્રેનના દર્દીઓ વરસાદ આવવાની આગાહી કરી શકે છે. એકદમ આશ્ચર્યજનક! જર્નલ ઓફ ન્યુરોલોજિકલ સાયન્સિસમાં ૨૦૨૩માં દર્શાવવામાં આવેલ એક પાયલોટ સ્ટડીમાં જાણવા મળ્યું કે નીચા બેરોમેટ્રિક પ્રેસર, બેરોમેટ્રિક પ્રેસરમાં ફેરફાર, વધુ ભેજ અને વરસાદ, આ બધું માથાના દુખાવાની ઘટનાઓમાં વધારા સાથે જોડાયેલું હતું. માથું જાણે બેરોમીટર બની જાય, કહે, "અરે, આજે હવામાં કંઈક ગડબડ છે!"

     જોકે માઈગ્રેનના દર્દીઓ માટે એક ખુશખબર છે કેમકે એક જાણીતી “રોટરડેમ સ્ટડી”માં માઇગ્રેનથી પીડાતા લોકોએ એમ.એમ.એસ.ઈ., એક્ઝિક્યુટિવ ફંક્શન, ફાઇન મોટર સ્કિલ્સ અને ગ્લોબલ કોગ્નિશનમાં વધુ સારું પ્રદર્શન કર્યું. આશ્ચર્યજનક રીતે, ઓરા સાથે માઇગ્રેનથી પીડાતા લોકોના પરીક્ષણ પરિણામો વધુ શ્રેષ્ઠ હતા. એનો મતલબ એમકે એમનું આઈક્યુ પ્રમાણમાં સારું હોય છે અને વધુ બુદ્ધિશાળી હોય છે.

     માઈગ્રેનના અમુક દર્દીઓમાં જોવા મળતી "ઓરા" પણ રસપ્રદ ઘટના છે. ઓરા દરમિયાન થતા "કોર્ટિકલ સ્પ્રેડીંગ ડિપ્રેસન" તથા મગજની જાગૃકતા વધવાથી મગજના નવા આયામો ખુલે છે. ઓરા સાથેના માઇગ્રેનમાં વ્યક્તિની સામાન્ય સવેંદનાની પ્રક્રિયા બદલાય છે. કહેવામાં આવે છે કે ઓરાથી પીડિત વિન્સેન્ટ વેન ગો અને જ્યોર્જી ઓ'કીફ જેવા ચિત્રકારોએ તેમની આ બીમારી દરમિયાન બહુજ અદભુત ચિત્રો બનાવ્યા છે જેમાં વ્યક્તિ જાણે કોઈ બીજી જ દુનિયામાં હોય એવો અનુભવ થઇ શકે છે. ઘણા જાણીતા લેખકો, સંગીતકારોએ એમના દુખાવાને વાચા આપી એમની કળામાં કંડાર્યા છે અને એવી રચનાઓ કરી છે.

     શું માઈગ્રેન બ્રેઈન ખુશ હોય શકે? "હેપી માઈગ્રેન બ્રેઈન" માટે જીવનશૈલી એકદમ શિસ્તબદ્ધ રાખવી જોઈએ, સમયસર ઉઠવાનું, જમવાનું અને સુવાનું. પૂરતું પાણી પીવાનું. થોડું પણ એમાં વિચલન થયું તો માઈગ્રેન હુમલો કરી શકે છે. આમ માઈગ્રેનના દર્દીઓની જીવનગાથા એકદમ રસપ્રદ અને રોચક હોય છે.

#Migraine #Headache #Neurologistnearme #DrShaileshDarji #BestNeurologist

Comments